દાદા-દાદી કે નાના-નાની પાસેથી મળતા સંસ્કાર કોઇ સ્કૂલ પાસેથી મળતા નથી

ડો. આશિષ ચોક્સી. ખરેખર તો ગ્રાન્ડપેરેન્ટ્સનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય. માતા-પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસના સહજીવનથી થાય છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોનો આદર આપવો જેવા ગુણો બાળકોને કોઈ પાઠશાળામાં શીખવા મળવાના નથી હોતા, જે તેમનામાં ગ્રાન્ડપેરેન્ટસ સાથે રહેવા માત્રથી આવે છે.

બાળકોના ડોકટરો પાસે પણ જે બીમાર બાળકોને તેમના પેરેન્ટસ લઈને આવે છે, તે પેરેન્ટ્સ પોતાના વર્કસ્ટ્રેસને કારણે બાળક કેમ કરતાં જલ્દી સારું થાય અને જરૂર પડે તો ભારે દવા અથવા કોઈ ટેસ્ટ કરાવી લો તેમ કહેતાં હોય છે. જ્યારે જે બાળકોને લઈને ગ્રાન્ડપેરેન્ટસ આવે તો તેઓ ડોક્ટરને તેમની રીતે કામ કરવા દે છે અને ટેસ્ટ પહેલાં તેઓ ત્રણ-ચાર દિવસ રાહ જોવા પણ તૈયાર હોય છે.

ગ્રાન્ડપેરેન્ટ્સ પાસે આખા જીવનના સુખ-દુઃખ તેમજ અનુભવોનું ભાથું હોય છે. જે સંસ્કાર તેઓ પોતાનાં સંતાનોને નથી આપી શક્યાં, તે હવે તેમનાં સંતાનોના સંતાનોને આપવા ઉત્સુક હોય છે. એક દાદાએ વાત કરી હતી કે, ‘હું મારા દીકરાને ભણાવતો હતો, ત્યારે તેના પર ખૂબ ગુસ્સે થતો અને ક્યારેક તેને મારતો પણ ખરો, પણ હવે તેના દીકરાને ખૂબ સરસ રમતાં-રમતાં ભણાવું છું અને ક્યારેય ગુસ્સો આવતો નથી.’ દરેક માતા-પિતાની ફરજ છે કે તેમના સંતાનોને તેઓ તેમનાં ગ્રાન્ડપેરેન્ટસની ત્રુટિઓ અને ખામીઓ કહે, તેના કરતાં તેમના ગુણોની વાતો કરે જેથી બાળકોને પણ તેમના ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે રહેવા-મળવાની ઈચ્છા થાય. વર્કિંગ પેરેન્ટસના સંતાનો અને તેમનાં ગ્રાન્ડપેરેન્ટસ શ્રેષ્ઠ મિત્રો બની શકે છે.

બાળકો તેમના દાદાના વાળ કે ચશ્માં ખેંચે તે પણ દાદાને તો ગમતું જ હોય છે. બાળકોને પણ તેમનાં દાદા-દાદીને હેરાન કરવાનાં અને તેમની સાથે મસ્તી-મજાક કરવાનાં સંભારણા જીવનભર યાદ રહે છે, તો સામે ગ્રાન્ડપેરેન્ટ્સને પણ તેમનાં પૌત્ર-પૌત્રીઓનાં આ કરતૂત ગમતાં હોય છે. જ્યારે પૌત્રો-પૌત્રીઓ મોટા થાય અને ગ્રાન્ડપેરેન્ટસ આ દુનિયામાં ન હોય, ત્યારે તેઓ તેમની યાદો અને તેમની સાથે ગાળેલા સમયમાં મેળવેલા સંસ્કારોથી પોતાની ત્રુટિઓ દૂર કરવાનો પ્રયત્ન કરે છે.

ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે રહેવાથી બાળકો માતૃભાષાનું જ્ઞાન મેળવી શકે છે. બાળવાર્તાઓ, બાળગીતો, જોડકણાં તેમજ ઉખાણાં બાળકોને દાદા-દાદી કે નાના-નાની શ્રેષ્ઠ રીતે કહે છે. બાળકોમાં કૌટુંબિક સંસ્કાર પણ ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે રહીને જ બાળકોમાં આવતાં હોય છે. દૂરના સગાંવહાલાંઓ તેમજ તેમના વિશે માહિતી, તેઓએ પોતાના ઘર માટે શું કર્યું? જેવી વાતો ગ્રાન્ડપેરેન્ટ્સ પાસેથી સાંભળી બાળકમાં સામાજિક ગુણોનો વિકાસ થાય છે. બાળકને દેશ, ધર્મ અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ જ્ઞાન ગ્રાન્ડપેરેન્ટ્સ આપી શકે છે. જે વર્કિંગ પેરેન્ટસ તેમના બાળકોને ગ્રાન્ડપેરેન્ટસથી દૂર રાખે છે તેઓ કમાઈને પણ અનેકગણું ગુમાવી રહ્યાં હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *